મિલ્કતના વિવાદમાં નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા, ગામમાં શોકનો માહોલ

વડોદરા જિલ્લામાં મિલ્કતના વિવાદે કરુણ વળાંક લીધો છે. છોટાઉદેપુર જિલ્લાના ખાટિયાવાટ ગામમાં સંપત્તિના મુદ્દે થયેલા ઝઘડામાં નાના ભાઈએ પોતાના મોટા ભાઈની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, પરિવારની મિલ્કતના હિસ્સાને લઈને બંને ભાઈઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ મુદ્દે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

આરોપ છે કે મિલ્કતનો હિસ્સો ન આપવા બાબતે ઉશ્કેરાયેલા નાના ભાઈએ પોતાના મોટા ભાઈ વિજય રાઠવાના માથામાં લાકડી વડે જોરદાર ફટકો માર્યો હતો. હુમલામાં ગંભીર ઈજા પહોંચતા વિજય રાઠવા લોહીલુહાણ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાના કારણે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મિલ્કતના વિવાદમાં ભાઈએ જ ભાઈનો જીવ લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે, જ્યારે સમગ્ર ગામમાં આ ઘટનાની ચર્ચા ચાલી રહી છે.

Leave a Comment

Traffic Tail