રાજકોટ-જેતપુર હાઈવે પર ચાલી રહેલી બ્રિજ નિર્માણ કામગીરી અંગે રાજકોટ કલેક્ટર ઓમ પ્રકાશે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે રાજકોટ અને જેતપુર વચ્ચે કુલ 25 બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાંથી 70 ટકાથી વધુ બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
કલેક્ટરે જણાવ્યું કે હાઈવે પરના બાકી રહેલા બ્રિજોના કામને ઝડપથી પૂર્ણ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) વચ્ચે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. નિયમિત સમીક્ષા અને બેઠકઓ દ્વારા કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે.
ખાસ કરીને કુવાડવા નજીકના બ્રિજ નિર્માણ કાર્ય અંગે તેમણે જણાવ્યું કે અગાઉની એજન્સી દ્વારા કામમાં વિલંબ થતાં હવે આ કામગીરી નવી એજન્સીને સોંપવામાં આવી છે. નવી એજન્સી સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠક યોજાઈ હતી અને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
કલેક્ટર ઓમ પ્રકાશના જણાવ્યા મુજબ નવી એજન્સી ઝડપી ગતિએ કામગીરી કરી રહી છે અને બાકી રહેલા કામને સમયસર પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. બ્રિજોના કામ પૂર્ણ થતાં રાજકોટ-જેતપુર હાઈવે પર વાહન વ્યવહાર વધુ સુગમ અને સુરક્ષિત બનશે.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ચાલતી આ કામગીરીને લઈને વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.









