અમદાવાદ: રાજ્યમાં ચોમાસું વધુ સક્રિય બનતા ભારતીય હવામાન વિભાગે આજે અનેક જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રેડ એલર્ટ
અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઓરેન્જ એલર્ટ
પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
યલો એલર્ટ
દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં પાણીના સ્તરમાં વધારો થવા તેમજ તેજ પવન અને વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખી લોકોને સાવચેત રહેવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરી છે.









