ફોર્ટ હૂડ નજીક ખેતરમાં તૂટી પડ્યું AH-64 અપાચે; ક્રેશ બાદ આગ લાગતાં આસપાસના ઘરો ખાલી કરાયા
ટેક્સાસ: અમેરિકાના ટેક્સાસમાં ફોર્ટ હૂડ નજીક ઓપરેશન દરમિયાન યુએસ આર્મીનું AH-64 અપાચે એટેક હેલિકોપ્ટર અચાનક એક ખેતરમાં ક્રેશ થયું હતું. અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
જમીન પર પટકાતા જ ભીષણ આગ
હેલિકોપ્ટર ખેતરમાં તૂટી પડ્યા બાદ સ્થળ પર ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ અને હેલિકોપ્ટરના કાટમાળને કારણે આસપાસના વિસ્તારમાં જોખમ ઊભું થતાં સુરક્ષાના ભાગરૂપે કેટલાક ઘરો ખાલી કરાવવામાં આવ્યા હતા.
ક્રેશ બાદ હેલિકોપ્ટરનો કાટમાળ દૂર સુધી વિખેરાયો હતો. જોકે, સદનસીબે હેલિકોપ્ટર કોઈ મકાન કે અન્ય ઈમારત સાથે અથડાયું નહોતું.
બંને પાયલટના મોતની પુષ્ટિ
બેલ કાઉન્ટી શેરિફ ઓફિસના પ્રવક્તા ક્લિફ કોલમેને બંને પાયલટના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે. જોકે, મૃતક પાયલટોની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી.
ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
ક્રેશનું કારણ જાણવા તપાસ શરૂ
હેલિકોપ્ટર ઓપરેશન દરમિયાન અચાનક કેમ ક્રેશ થયું તે અંગે હજુ કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી. ઘટનાની તપાસ માટે ફોર્ટ હૂડની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિવિઝન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે.









