જસદણના વિંછીયા બાયપાસ નજીક રૂરલ LCB ટીમે ચોરખાનાવાળી કારમાંથી 645 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે મધ્યપ્રદેશના બે શખ્સોની ધરપકડ કરી દારૂ, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.7.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
LCB ટીમ જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મહિન્દ્રા TUV કારમાં ચોરખાનું બનાવી દારૂનો જથ્થો ભરી બે શખ્સો વિંછીયાથી જસદણ તરફ જવાના છે. બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે કારને રોકી તપાસ કરતાં ચોરખાનામાંથી રૂ.2.54 લાખની કિંમતની 645 બોટલ દારૂ મળી આવ્યો હતો.
પોલીસે કારમાં સવાર ધનંજય ગુર્જર ભરડીયા અને નિલેશ ઈસરીયા કલેશ, બંને અલીરાજપુર, મધ્યપ્રદેશના રહેવાસી,ને ઝડપી લીધા હતા.
પ્રાથમિક તપાસમાં બંને શખ્સો મધ્યપ્રદેશથી દારૂ ભરી જૂનાગઢ પંથકમાં ડિલિવરી આપવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે ડિલિવરી થાય તે પહેલાં જ LCBએ બંનેને ઝડપી લીધા હતા.
પોલીસના જણાવ્યા મુજબ બંને અગાઉ પણ ચારથી પાંચ વખત દારૂની ડિલિવરી માટે આવી ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. હાલ જસદણ પોલીસે બંનેનો કબજો મેળવી દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો તે રિસીવર અંગે તપાસ શરૂ કરી છે.









