નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ડોક્ટરો અને હોસ્પિટલોને ગ્રાહક સુરક્ષા કાયદાના દાયરામાં રાખતા 1995ના ઐતિહાસિક ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. પાંચ જજોની બેન્ચે આ ચુકાદાને પડકારતી ક્યુરેટિવ અરજી ફગાવી દીધી છે.
જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ બી.વી. નાગરત્ના, જસ્ટિસ એ.એમ. સુંદરેશ, જસ્ટિસ પ્રશાંતકુમાર મિશ્રા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે જણાવ્યું કે ક્યુરેટિવ અરજી સ્વીકારવા માટે નક્કી કરાયેલા માપદંડો મુજબ આ કેસમાં કોઈ આધાર બનતો નથી.
1995માં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વિરુદ્ધ વી.પી. શાંતા કેસમાં સુપ્રીમ કોર્ટે તબીબી સેવાઓને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આવરી લીધી હતી. આ ચુકાદા બાદ તબીબી સેવામાં ખામી અથવા બેદરકારી અંગે દર્દીઓને ગ્રાહક આયોગમાં ફરિયાદ કરવાનો માર્ગ મળ્યો છે.
સારવારનું દરેક પરિણામ બેદરકારી ગણાશે નહીં
ચુકાદાનો અર્થ એ નથી કે સારવારથી અપેક્ષિત પરિણામ ન મળે તો દરેક કિસ્સામાં ડોક્ટર કે હોસ્પિટલ સામે ગ્રાહક કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે. તબીબી સેવામાં ખામી હોવાના કિસ્સામાં જ ગ્રાહક કાયદા હેઠળ જવાબદારીનો પ્રશ્ન ઊભો થાય છે.
વકીલો અંગેના ચુકાદાને આધાર બનાવાયો હતો
ક્યુરેટિવ અરજીમાં વકીલોને સેવામાં ખામીના મામલે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળની કાર્યવાહીમાંથી બહાર રાખતા સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ હવાલો આપવામાં આવ્યો હતો. જોકે બેન્ચે સ્પષ્ટ કર્યું કે વકીલોના વ્યવસાય અંગેનો આ ચુકાદો અલગ કાનૂની પ્રશ્ન સાથે સંબંધિત છે અને તેના આધારે ડોક્ટરો તથા હોસ્પિટલ અંગેનો 1995નો ચુકાદો ફરી ખોલવાની જરૂર નથી.









