ટ્રમ્પની વૈશ્વિક લોકપ્રિયતાને ફટકો: દુનિયાના 76% લોકોને અમેરિકી રાષ્ટ્રપતિ પર ભરોસો નથી

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વૈશ્વિક છબી અને નેતૃત્વ પ્રત્યેનો વિશ્વાસ સતત ઘટી રહ્યો હોવાનું એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણમાં સામે આવ્યું છે. પ્યુ રિસર્ચ સેન્ટરના વર્ષ 2026ના ‘ગ્લોબલ એટિટ્યુડ્સ સર્વે’ મુજબ વિશ્વના મોટાભાગના લોકો ટ્રમ્પના વૈશ્વિક નિર્ણયો અને નીતિઓ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતા નથી.

ફેબ્રુઆરીથી મે 2026 દરમિયાન ભારત સહિત 36 દેશોના 42 હજારથી વધુ લોકો સાથે કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે વૈશ્વિક સ્તરે સરેરાશ 76 ટકા લોકોને ટ્રમ્પ પર વિશ્વાસ નથી, જ્યારે માત્ર 23 ટકા લોકો જ તેમની નિર્ણય ક્ષમતા પર ભરોસો વ્યક્ત કરે છે.

સર્વેમાં ભારતનું ચિત્ર અન્ય દેશોની સરખામણીએ થોડું અલગ જોવા મળ્યું છે. ભારતમાં 39 ટકા લોકોએ ટ્રમ્પ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે 36 ટકા લોકો તેમના નેતૃત્વ અંગે શંકા ધરાવે છે.

ભારતીયોના વૈશ્વિક નેતાઓ પ્રત્યેના વિશ્વાસમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સૌથી આગળ રહ્યા છે. સર્વે અનુસાર 51 ટકા ભારતીયો પુતિન પર ભરોસો કરે છે. જ્યારે અન્ય નેતાઓમાં ઇઝરાયલના બેન્જામિન નેતાન્યાહુને 34 ટકા, ફ્રાન્સના ઈમેન્યુઅલ મેક્રોનને 33 ટકા, યુક્રેનના વોલોદિમીર ઝેલેન્સ્કીને 29 ટકા અને ચીનના શી જિનપિંગને 25 ટકા સમર્થન મળ્યું છે.

સર્વેમાં અમેરિકાની વેપાર અને ટેરિફ નીતિ અંગે પણ લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. ભારતમાં માત્ર 18 ટકા લોકોએ જ ટ્રમ્પ સરકારની ટેરિફ નીતિને સમર્થન આપ્યું હોવાનું સામે આવ્યું છે.

વિશ્લેષકોના મતે, છેલ્લા કેટલાક વર્ષોમાં લેવામાં આવેલા વિવાદાસ્પદ વૈશ્વિક નિર્ણયો, વેપાર નીતિઓ અને આંતરરાષ્ટ્રીય સંબંધોને લઈને અપનાવાયેલા વલણના કારણે ટ્રમ્પની વૈશ્વિક છબીને અસર પહોંચી છે, જેનો પ્રતિબિંબ હવે સર્વેક્ષણના આંકડાઓમાં પણ જોવા મળી રહ્યો છે.

Leave a Comment

Traffic Tail