પેન્શનરો માટે મોટી રાહત: હવે બેન્ક નોટિસ વિના ખાતામાંથી રકમ નહીં કાપી શકે

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પેન્શનરોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા માર્ગદર્શિકા મુજબ હવે કોઈ પણ બેન્ક પેન્શનરના ખાતામાંથી પૂર્વ જાણ કર્યા વગર અથવા યોગ્ય કારણ દર્શાવ્યા વગર રકમ કાપી શકશે નહીં.

રિટાયરમેન્ટ બાદ મોટાભાગના વરિષ્ઠ નાગરિકો પોતાના માસિક પેન્શન પર નિર્ભર રહેતા હોય છે. દવાઓ, ઘરખર્ચ અને અન્ય જરૂરી ખર્ચ માટે પેન્શન તેમની આવકનો મુખ્ય સ્ત્રોત હોય છે. આવી સ્થિતિમાં બેન્ક દ્વારા અચાનક મોટી રકમ કપાઈ જતાં પેન્શનરોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

ઘણા કિસ્સાઓમાં ટેકનિકલ ભૂલ અથવા વધારાની પેન્શન જમા થઈ જવાના કારણે બેન્કો બાદમાં સીધા ખાતામાંથી રકમ પરત કાપી લેતી હતી. જોકે હવે આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે આવી કાર્યવાહી પારદર્શક રીતે જ કરવી પડશે.

નવા નિયમો અનુસાર બેન્કોએ પેન્શનરને અગાઉથી જાણ કરવી પડશે અને રકમ શા માટે કાપવામાં આવી રહી છે તેની સંપૂર્ણ વિગતો આપવી પડશે. સાથે જ વધારાની ચૂકવણી કેવી રીતે થઈ, કેટલી રકમ પરત લેવામાં આવી રહી છે અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવી છે તેની વિગતવાર કેલ્ક્યુલેશન શીટ પણ આપવી ફરજિયાત રહેશે.

આરબીઆઈના આ નિર્ણયથી દેશભરના લાખો પેન્શનરોને મોટી રાહત મળશે. નિષ્ણાતોના મતે આ પગલાથી બેન્કિંગ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે અને વરિષ્ઠ નાગરિકોના નાણાકીય હિતોને વધુ સુરક્ષા મળશે.

Leave a Comment

Traffic Tail