48 ડચ પ્રવાસીઓને લઈ જતી બસ બેરીયર સાથે અથડાઈ : અકસ્માતથી ભારે ચકચાર
સ્વિટઝર્લેન્ડમાં ડચ પ્રવાસીઓને લઈ જઈ રહેલી ટુરિસ્ટ બસ ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. બસ ઢાળ પરથી નીચે ખાબકીને સેફ્ટી બેરીયર સાથે અથડાતા અનેક લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે કેટલાય પ્રવાસીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માત ગ્રૌબુંડેનથી દૂર પૂર્વી કેન્ટનમાં સ્થાનિક સમય અનુસાર સાંજે આશરે 4:45 વાગ્યે સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, બસ અચાનક પલટી ખાઈ ઢાળ પરથી નીચે ખાબકી હતી અને ત્યારબાદ સેફ્ટી બેરીયર સાથે જોરદાર અથડાઈ હતી.
ડચ ફેડરેશન ઓફ ટ્રાવેલ એજન્સીઝના જણાવ્યા અનુસાર, આ બસ ટુર કંપની ઓડની હતી અને તેમાં કુલ 48 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો નેધરલેન્ડના રહેવાસી હોવાનું જણાવાયું છે.
સ્વિટઝર્લેન્ડના કેન્ટન પોલીસે પણ બસ દુર્ઘટનામાં અનેક લોકોનાં મોત થયાની પુષ્ટિ કરી છે. અકસ્માતમાં અન્ય મુસાફરો ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.









