બ્રિકસ સમિટ વચ્ચે મેચ ખસેડવાની અપીલ છતાં સમયપત્રકમાં ફેરફાર નહીં
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 13 સપ્ટેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ રમાશે. મેચની તારીખ બદલવાની અટકળો વચ્ચે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)એ સ્પષ્ટ કરી દીધું છે કે મેચ મુલતવી રાખવામાં આવશે નહીં.
દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બરે બ્રિકસ સમિટ યોજાવાની હોવાથી રાજધાનીમાં અનેક VVIP મહેમાનોની હાજરી રહેવાની છે. આ દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે DDCAને પ્રથમ T20 મેચ ફરીથી શેડ્યૂલ કરવાની અપીલ કરી હતી.
જોકે, DDCA અને દિલ્હી ટ્રાફિક પોલીસ વચ્ચે બેઠક બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. DDCAએ જણાવ્યું છે કે મેચના આયોજનમાં કોઈ મુશ્કેલી નહીં આવે અને જરૂરી તમામ સહયોગ તથા વ્યવસ્થા કરવામાં આવશે.
ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણેય T20 મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે. પ્રથમ મેચ 13 સપ્ટેમ્બર, બીજી 15 સપ્ટેમ્બર અને ત્રીજી મેચ 17 સપ્ટેમ્બરે યોજાશે. આમ, પાંચ દિવસમાં જ સમગ્ર T20 શ્રેણી પૂર્ણ થશે.
DDCAએ સોશિયલ મીડિયા મારફતે પણ સ્પષ્ટતા કરી છે કે 13 સપ્ટેમ્બરની પ્રથમ T20I મેચ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ યોજાશે અને તેને મુલતવી રાખવામાં આવશે નહીં.









