મહારાષ્ટ્રમાં મેઘતાંડવ યથાવત: લોનાવાલામાં 27 ઇંચ, પાલઘરમાં માત્ર બે કલાકમાં 12 ઇંચ વરસાદ

વસઈ-વિરાર અને નાલાસોપારા જળબંબાકાર; રેલવે ટ્રેક પર પાણી ભરાતાં ટ્રેન વ્યવહાર પ્રભાવિત

મુંબઈ: મહારાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ યથાવત છે. મુંબઈ ઉપરાંત રાયગઢ, પાલઘર અને પુણે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. સૌથી વધુ વરસાદ લોનાવાલામાં નોંધાયો છે, જ્યાં માત્ર 24 કલાકમાં 670 મીમી (આશરે 27 ઇંચ) વરસાદ ખાબક્યો હતો.

પાલઘર જિલ્લામાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. અહીં માત્ર બે કલાકમાં અંદાજે 300 મીમી (આશરે 12 ઇંચ) વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે વસઈ-વિરાર વિસ્તારમાં ઉપરવાસનું પાણી મોટી માત્રામાં પહોંચતાં અનેક રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

શહેર અને જિલ્લાના મુખ્ય નાલાઓ તેમજ કુદરતી જળમાર્ગો ઓવરફ્લો થતાં વરસાદી પાણીનો નિકાલ ખોરવાઈ ગયો છે. ખાસ કરીને સ્ટેશન વિસ્તાર અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં ટ્રેન વ્યવહાર પર પણ ગંભીર અસર જોવા મળી રહી છે.

નાલાસોપારા શહેરનો મોટાભાગનો વિસ્તાર પાણીમાં ડૂબી જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્ટેશન અને રેલવે ટ્રેક પરથી પાણીનો નિકાલ અવરોધાતા અનેક ટ્રેનોના સંચાલનમાં વિલંબ અને અવરોધ સર્જાયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં નાગરિકોને સતર્ક રહેવા અને જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવાની સલાહ આપી છે.

Leave a Comment

Traffic Tail