100 કિલો જેટલો શુદ્ધ કોપર વાયર તસ્કરો ઉઠાવી ગયા, તાલુકા પોલીસમાં ફરિયાદ
મોરબી: શહેરના ઘુટુ રોડ પર આઈટીઆઈ કોલેજની પાછળ આવેલી ડાયમંડ રેફ્રિજરેશનની દુકાનમાં તસ્કરોએ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. દુકાન બંધ હોવાનો લાભ લઈ અજાણ્યા શખ્સે પાછળના ભાગે આવેલી લોખંડની બારીના સળિયા તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં દુકાનમાં રાખેલો આશરે 100 કિલો જેટલો શુદ્ધ કોપર વાયર અને અન્ય કોપર વાયરના ટુકડા મળી કુલ રૂ.1.80 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના સમલી ગામે રહેતા કૌશિકભાઈ ત્રિભુવનભાઈ પટેલ (ઉં.વ.42) એસી રિપેરિંગ તથા વેચાણનો વ્યવસાય કરે છે. તેમની ઘુટુ રોડ ઉપર આઈટીઆઈની પાછળ પીપળી ગામ તરફ જવાના માર્ગ પર ડાયમંડ રેફ્રિજરેશન નામની દુકાન આવેલી છે.
મોડી રાત્રિના સમયે દુકાન બંધ હતી ત્યારે અજાણ્યો તસ્કર પાછળના ભાગે આવેલી બારીના લોખંડના સળિયા તોડી અંદર ઘૂસ્યો હતો. દુકાનમાં પ્રવેશ કર્યા બાદ તેણે નવા શુદ્ધ કોપરના વાયરના ફીંડલા તેમજ નાના-મોટા કોપર વાયરના ટુકડા ચોરી લીધા હતા. વેપારીના જણાવ્યા મુજબ ચોરી થયેલા કોપર વાયરની કુલ કિંમત આશરે રૂ.1.80 લાખ છે.
દુકાન ખોલવા પહોંચેલા વેપારીને ચોરીની જાણ થતાં તેમણે તાત્કાલિક મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ કૌશિકભાઈ પટેલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ચોરીમાં સંડોવાયેલા શખ્સની ઓળખ મેળવવા તથા તેને ઝડપી પાડવા માટે દુકાન અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. કોપર વાયર જેવી કિંમતી ધાતુની ચોરીના બનાવને પગલે પોલીસે અન્ય કોઈ શખ્સની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.









