નવી દિલ્હી: ચાલુ વર્ષના નૈઋત્ય ચોમાસાએ જોર પકડતા સેટેલાઇટ તસવીરોમાં ભારતથી દક્ષિણ કોરિયા સુધી અંદાજે 10 હજાર કિલોમીટર લાંબી વાદળોની વિશાળ પટ્ટી જોવા મળી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વર્ષના ચોમાસાની સૌથી સક્રિય હવામાન પ્રણાલીઓમાંની એક છે.
Monsoon Convergence Zone તરીકે ઓળખાતી આ સિસ્ટમના પ્રભાવથી ભારતના મધ્ય, ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે હિમાલય વિસ્તાર, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા સુધી પણ વાદળોનો પ્રભાવ જોવા મળી રહ્યો છે.
છેલ્લા બે દિવસમાં દેશમાં ચોમાસાની સામાન્ય સરેરાશ કરતાં 170થી 180 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી વરસાદની ખાધ ઝડપથી પૂરી થઈ રહી છે, ખરીફ પાકને મોટો ફાયદો મળશે અને ડેમ-જળાશયોમાં પાણીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે.
જોકે, ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનનું જોખમ પણ વધી ગયું છે.








