ચંડીગઢ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને શાળાના અભ્યાસક્રમમાં ફરજિયાત સામેલ કરનાર પંજાબ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ‘સરબત.AI’ પહેલ હેઠળ પંજાબ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ (PSEB) રાજ્યની તમામ શાળાઓમાં તબક્કાવાર AI શિક્ષણ શરૂ કરશે.
પ્રથમ તબક્કામાં ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે AIનો સમાવેશ કરવામાં આવશે, જ્યારે બાદમાં ધોરણ 1થી 7 સુધી અભ્યાસક્રમનો વિસ્તાર કરાશે. રાજ્યની 25,172 શાળાઓ અને 31.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને આ પહેલનો લાભ મળશે.
શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈન્સે જણાવ્યું કે અભ્યાસક્રમ આંતરરાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે અને યુનેસ્કોના એથિકલ AI ફ્રેમવર્ક સાથે સુસંગત છે.
શરૂઆતમાં 12,424 શિક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવશે. અભ્યાસક્રમમાં પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, લાઇવ અને રેકોર્ડેડ ક્લાસ, સતત મૂલ્યાંકન તેમજ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ કરાયો છે. AI વિષયના ગુણ વિદ્યાર્થીઓના બોર્ડ સર્ટિફિકેટમાં પણ નોંધાશે.








