વડોદરા: શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શનિવારે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ઘેરાવ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ પોલીસ પર તાજીયા ખંડિત કર્યાનો ગંભીર આક્ષેપ કરતા જવાબદાર પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ ઉઠાવી હતી.
આક્ષેપોને લઈને પોલીસ સ્ટેશન બહાર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા.
પ્રદર્શનકારીઓએ જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ અધિકારીઓએ રજૂઆતો સાંભળી સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી અધિકારીઓએ આપી હતી.









