ઊના: ગીર સોમનાથ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લાંચ વિરોધી કાર્યવાહીમાં ઊના એસટી ડેપોના કંડકટરને રૂપિયા 2,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી બાદ એસટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
ઝડપાયેલા આરોપીની ઓળખ મનીષ મગનલાલ કાનાબાર તરીકે થઈ છે. ફરિયાદ મુજબ, બસમાં ફરિયાદીના માછલીના પાર્સલ લઈ જવાની અવેજીમાં કંડકટરે પાર્સલ દીઠ રૂ.100ના હિસાબે લાંચની માંગણી કરી હતી.
ફરિયાદ મળતા ગીર સોમનાથ ACBની ટીમે ઊના-દેલવાડા રોડ પર આવેલા સિટી બસ સ્ટેશન નજીક છટકું ગોઠવ્યું હતું. નક્કી કરાયેલા મુજબ ફરિયાદી પાસેથી રૂપિયા 2,000ની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે આરોપી કંડકટરને રંગેહાથ ઝડપી લીધો હતો.
આ સમગ્ર મામલે એસીબીએ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ લાંચ લેવાની આ પ્રથા પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.









