અમદાવાદ: જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવામાન અંગે જાહેર આગાહી ન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. તેમણે મીડિયા સમક્ષ અપીલ કરીને સ્પષ્ટ કર્યું છે કે હવે હવામાનની આગાહી માટે તેમનો સંપર્ક ન કરવામાં આવે.
મળતી માહિતી મુજબ, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના તાજેતરના નિવેદન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી તેમની આગાહીઓને લઈને વિવિધ પ્રકારની ટીકાઓ અને આરોપો પણ સામે આવ્યા હતા.
આ સમગ્ર વિવાદ વચ્ચે અંબાલાલ પટેલે જાહેરમાં હવામાન અંગે કોઈપણ પ્રકારની આગાહી કરવાનું ટાળવાનો નિર્ણય લીધો છે. તેમણે મીડિયા પ્રતિનિધિઓને પણ આગાહી અંગે પ્રશ્નો અથવા પ્રતિક્રિયા માટે સંપર્ક ન કરવાની વિનંતી કરી છે.
અંબાલાલ પટેલના આ નિર્ણય બાદ તેમના અનુયાયીઓ અને હવામાન આગાહીમાં રસ ધરાવતા લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે, તેમણે પોતાના નિર્ણય પાછળનું વિગતવાર કારણ જાહેર કર્યું નથી.









