ભુજ: કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે કબજાઓ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. અસામાજિક તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા તંત્રએ ગેરકાયદે દબાણ દૂર કરવા બુલડોઝર એક્શન ચલાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ચતુરસિંહ જાડેજા નામના વ્યક્તિએ અંદાજે 100 ચોરસ મીટર સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો. લાંબા સમયથી ચાલતા આ દબાણ અંગે તપાસ પૂર્ણ થયા બાદ તંત્રએ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અને વહીવટી તંત્રની હાજરીમાં બુલડોઝર દ્વારા ગેરકાયદે બાંધકામ અને દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કાર્યવાહીથી અંદાજે ₹35 લાખની કિંમતની સરકારી જમીન કબજામુક્ત કરાવવામાં સફળતા મળી છે. જમીન ખુલ્લી કરાવ્યા બાદ તેને ફરી સરકારી હસ્તક લેવામાં આવી છે.
તંત્રનું કહેવું છે કે સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરનારાઓ સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. સરકારી મિલકતો અને જાહેર હિતની જમીનોનું રક્ષણ કરવા માટે નિયમોનું કડક પાલન કરવામાં આવશે.
આ કાર્યવાહી બાદ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન હડપ કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને કાયદા મુજબ કાર્યવાહીનો સામનો કરવો પડશે. ભુજમાં થયેલા આ બુલડોઝર એક્શનને અન્ય ગેરકાયદે કબજેદારો માટે ચેતવણીરૂપ પગલું માનવામાં આવી રહ્યું છે.









