બેડીના હથિયાર કેસમાં SOGની મોટી સફળતા

હરેશ જાદવને ચાર કારતૂસ આપનાર મધ્યપ્રદેશનો અમિત રાજકોટથી ઝડપાયો

રાજકોટ શહેર એસઓજીએ હથિયાર ધારાના ગુનામાં ફરાર આરોપી મધ્યપ્રદેશના અમિતકુમાર ઉર્ફે અકુ અશોક પાઠકને રાજકોટ રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બેડી વાછકપરના હરેશ ઉર્ફે ભૂરો મોતી જાદવને ચાર રાઉન્ડ કારતૂસ અમિતે સપ્લાય કર્યા હતા.

ગત ફેબ્રુઆરીમાં એસઓજીએ હરેશ જાદવને દેશી બનાવટની પિસ્ટલ, ત્રણ જીવતા કારતૂસ અને એક ફૂટેલો કારતૂસ સાથે ઝડપી લીધો હતો. હથિયારના આ ગુનાની તપાસ દરમિયાન કારતૂસના સપ્લાયર તરીકે મધ્યપ્રદેશના અમિતનું નામ બહાર આવ્યું હતું. ત્યારથી એસઓજી તેની શોધખોળ કરી રહી હતી.

એસઓજી પીઆઇ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરોપીની તપાસ ચાલી રહી હતી. દરમિયાન પીએસઆઇ બી.વી. ચુડાસમાની ટીમના કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજા અને રવિભાઈ ધગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે 44 વર્ષીય અમિતકુમાર ઉર્ફે અકુ અશોક પાઠક, રહેવાસી દંતીયા, મધ્યપ્રદેશને રેલવે સ્ટેશન નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, અમિતે હરેશ જાદવને ચાર રાઉન્ડ કારતૂસ પૂરા પાડ્યા હતા. તેની ધરપકડ બાદ હવે હથિયાર અને કારતૂસના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે હરેશ ઉર્ફે ભૂરો મોતી જાદવ સામે ગાંધીગ્રામની એક પરિણીત મહિલા પર બંદૂકની અણીએ દુષ્કર્મ આચર્યાનો અલગ ગુનો પણ નોંધાયો છે.

આ કાર્યવાહી પીઆઇ એન.બી. ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ બી.વી. ચુડાસમા સહિતની એસઓજી ટીમે હાથ ધરી હતી.

Leave a Comment

Traffic Tail