યુટ્યુબથી કમાણી માટે હવે ટાર્ગેટ બમણો

નવા ક્રિએટર્સ માટે મોનેટાઇઝેશનની શરતો કડક, 8,000 વોચ અવર્સ અને 2 કરોડ શોર્ટ્સ વ્યૂઝ જરૂરી

યુટ્યુબ પર કન્ટેન્ટ બનાવીને કમાણી કરવા માંગતા નવા ક્રિએટર્સ માટે હવે પડકાર વધવાનો છે. યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ (YPP) હેઠળ જાહેરાત અને યુટ્યુબ પ્રીમિયમની આવક મેળવવા માટેના પાત્રતા માપદંડમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો 11 ફેબ્રુઆરી 2027થી અમલમાં આવશે.

નવા નિયમ મુજબ લોન્ગ-ફોર્મ વીડિયો બનાવતા ક્રિએટર્સે છેલ્લા 365 દિવસમાં 8,000 ક્વોલિફાઇડ વોચ અવર્સ પૂર્ણ કરવા પડશે. અગાઉ આ મર્યાદા 4,000 વોચ અવર્સ હતી. બીજી તરફ શોર્ટ્સ ક્રિએટર્સે છેલ્લા 90 દિવસમાં 2 કરોડ ક્વોલિફાઇડ વ્યૂઝ મેળવવા પડશે, જ્યારે અગાઉ આ મર્યાદા 1 કરોડ વ્યૂઝ હતી.

હાલના ક્રિએટર્સને રાહત

આ નવા નિયમો મુખ્યત્વે નવા ક્રિએટર્સ માટે લાગુ પડશે. જે ક્રિએટર્સ પહેલેથી YPPનો હિસ્સો છે, તેમના પર આ વધારેલા પાત્રતા માપદંડની સીધી અસર નહીં થાય.

જોકે ટાર્ગેટ પૂરો ન થાય તો પણ કમાણીના કેટલાક વિકલ્પો ચાલુ રહેશે. સુપર ચેટ, સુપર થેંક્સ, ચેનલ મેમ્બરશિપ અને યુટ્યુબ શોપિંગ જેવી સુવિધાઓ માટેની હાલની પાત્રતા શરતોમાં વધારો કરવામાં આવ્યો નથી.

જાહેરાત સિવાય કમાણીની તક

યુટ્યુબ ક્રિએટર્સને માત્ર જાહેરાતની આવક પર નિર્ભર ન રહે તે માટે શોપિંગ બોનસ, બ્રાન્ડ ડીલ્સ અને ટ્રેન્ડ્સ ઇન્સેન્ટિવ જેવા વિકલ્પો પણ વધારવા જઈ રહ્યું છે. પ્રીમિયમ લાઇટમાંથી મળતી નેટ સબ્સ્ક્રિપ્શન આવકમાંથી પણ ક્રિએટર્સને હિસ્સો આપવાની યોજના છે.

આ ફેરફાર બાદ નવા ક્રિએટર્સ માટે યુટ્યુબ પરથી જાહેરાતની આવક મેળવવા માટે વધુ વ્યૂઝ, વધુ વોચ ટાઇમ અને સતત ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ જરૂરી બનશે.

Leave a Comment

Traffic Tail