દારૂના કેસની પતાવટ કરાવવાના બહાને ફરિયાદી પાસેથી લાંચની માંગણી; ગોધરા ACBએ રોડ પર ગોઠવેલા ટ્રેપમાં ઝડપાયો
દેવગઢબારીયા: દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના મોટા ફળિયા આંકલી ગામના સરપંચ રમેશ ભીખાભાઈ બારીયાને રૂપિયા 50 હજારની લાંચ લેતા ગોધરા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. લાંચ કેસની આ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
ACBને મળેલી ફરિયાદ મુજબ, ફરિયાદી સામે નોંધાયેલા દારૂના કેસની પતાવટ કરાવવા અને પોલીસમાં વચેટિયાની ભૂમિકા ભજવવાના બહાને સરપંચે રૂપિયા 50 હજારની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ ગોધરા ACBની ટીમે દેવગઢબારીયા તાલુકા નજીક જાહેર માર્ગ પર છટકું ગોઠવ્યું હતું. પૂર્વ આયોજન મુજબ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ સરપંચ રમેશ ભીખાભાઈ બારીયાને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
કાર્યવાહી દરમિયાન ACBની ટીમે જરૂરી પુરાવા એકત્ર કરીને આરોપીની ધરપકડ કરી હતી. સરપંચ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ACB હવે લાંચની માંગણી પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તેમજ સમગ્ર પ્રકરણના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.









