પરેશ ઠાકરે આગેવાનો, કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે વોર્ડ વાઈઝ મિટિંગ યોજી; પ્રશ્નોના ઝડપી નિકાલથી લોકોમાં ખુશી
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના રોશની કમિટીના નવનિયુક્ત ચેરમેન પરેશ ઠાકર દ્વારા શહેરના સ્ટ્રીટ લાઈટ સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે વોર્ડ વાઈઝ પ્રવાસ અને બેઠકો યોજવામાં આવી રહી છે. શહેરના અંધારા વિસ્તારોમાં પ્રકાશ પહોંચાડવા તેમજ નાગરિકોની સમસ્યાઓનો ઝડપી નિકાલ થાય તે હેતુથી હાથ ધરાયેલી આ કામગીરીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
પરેશ ઠાકર દ્વારા સ્થાનિક આગેવાનો, કોર્પોરેટરો અને સંબંધિત અધિકારીઓને સાથે રાખીને વિવિધ વોર્ડમાં સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો અંગે સ્થળ પર જ માહિતી મેળવવામાં આવી રહી છે. ક્યાં લાઈટ બંધ છે, ક્યાં નવી સ્ટ્રીટ લાઈટની જરૂરિયાત છે તેમજ કયા વિસ્તારોમાં પ્રકાશની વ્યવસ્થા વધારવાની જરૂર છે તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
વોર્ડ વાઈઝ મિટિંગ દરમિયાન નાગરિકો અને સ્થાનિક આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોના શક્ય તેટલા ઝડપી નિકાલ માટે અધિકારીઓને સ્થળ પરથી જ જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. જેના કારણે લાંબા સમયથી પડતર રહેલા કેટલાક સ્ટ્રીટ લાઈટના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ આવી રહ્યો છે.
રોશની કમિટીની આ કામગીરીથી શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે પ્રકાશની સુવિધામાં સુધારો થવાની સાથે નાગરિકોની સલામતીમાં પણ વધારો થવાની અપેક્ષા છે. પ્રશ્નોના સ્થળ પર જ ઉકેલથી સ્થાનિક રહેવાસીઓ અને મતદારોમાં પણ સંતોષ જોવા મળી રહ્યો છે.
પરેશ ઠાકરે જણાવ્યું કે શહેરના દરેક વોર્ડમાં સ્ટ્રીટ લાઈટની યોગ્ય વ્યવસ્થા રહે અને નાગરિકોને અંધારા રસ્તાઓની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે વોર્ડ વાઈઝ કામગીરીને વધુ વેગ આપવામાં આવશે. શહેરમાં જ્યાં પણ પ્રકાશની જરૂરિયાત હશે ત્યાં તંત્ર સાથે સંકલન કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.









