લોન વસૂલાતમાં હવે ધમકી નહીં ચાલે: RBIનો કડક નિર્ણય

1 જાન્યુઆરી 2027થી નવા નિયમો અમલમાં; રિકવરી એજન્ટની ગેરવર્તણૂક બદલ બેંક પણ જવાબદાર

નવી દિલ્હી: લોનના હપ્તા વસૂલવા માટે ગ્રાહકોને ધમકી કે હેરાનગતિ કરવાના મામલે RBIએ કડક નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો 1 જાન્યુઆરી 2027થી તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે લાગુ થશે.

નવા નિયમો હેઠળ રિકવરી એજન્ટો ગ્રાહકને ધમકી, અપમાન કે માનસિક દબાણ કરી શકશે નહીં. સોશિયલ મીડિયા પર બદનામ કરવું અથવા મિત્રો-સંબંધીઓને ફોન કરીને વસૂલાત માટે દબાણ કરવું પણ પ્રતિબંધિત રહેશે. એજન્ટની ગેરવર્તણૂક બદલ બેંકને પણ જવાબદાર ગણવામાં આવશે.

EMI બાકી હોય તો બેંક સામાન્ય રીતે ગ્રાહકનો મોબાઈલ, લેપટોપ કે ટેબ્લેટ બ્લોક કરી શકશે નહીં. ચોક્કસ ગેજેટ ખરીદવા માટે લેવાયેલી લોનમાં પણ નિયત પ્રક્રિયા જરૂરી રહેશે અને SOS, SMS તથા ઇનકમિંગ કોલ જેવી જરૂરી સુવિધાઓ બંધ કરી શકાશે નહીં.

રિકવરી એજન્ટો ગ્રાહકનો સંપર્ક સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધી જ કરી શકશે. ઘરે મુલાકાત પહેલાં બેંકે ઓછામાં ઓછા 24 કલાક અગાઉ એજન્ટની વિગતો સાથે જાણ કરવી પડશે.

તમામ રિકવરી કોલ્સનું રેકોર્ડિંગ રાખીને ઓછામાં ઓછા 6 મહિના સુધી સાચવવું બેંકો માટે ફરજિયાત રહેશે. એજન્ટે મુલાકાત વખતે ID કાર્ડ અને બેંકનો સત્તાવાર પત્ર પણ સાથે રાખવો પડશે.

ગ્રાહકોની ફરિયાદોના ઝડપી ઉકેલ માટે બેંકોને અલગ ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઊભી કરવી પડશે. RBIના આ નિયમોથી લોન વસૂલાતમાં મનમાની પર મોટો અંકુશ આવે તેવી અપેક્ષા છે.

Leave a Comment

Traffic Tail