મોરબીમાં વરસાદી માહોલ યથાવત: મચ્છુ-3 અને ઘોડાધ્રોઇ ડેમના દરવાજા ખોલાયા, 27 ગામોને એલર્ટ

ભારે વરસાદની આગાહીને પગલે શાળા-કોલેજો બંધ; જિલ્લાના 6 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ

મોરબી: મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાંથી વધતી પાણીની આવકને કારણે મચ્છુ-3 અને ઘોડાધ્રોઇ ડેમ ફરી ઓવરફ્લો થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને ડેમના એક-એક દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે.

છેલ્લા 24 કલાક દરમિયાન મોરબી શહેર અને તાલુકામાં પોણા બે ઇંચ, હળવદમાં સવા ઇંચ, વાંકાનેરમાં એક ઇંચ તેમજ ટંકારા અને માળિયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. હાલમાં પણ જિલ્લામાં ધીમીધારે વરસાદ ચાલુ છે.

આજે સવારે 8 વાગ્યાથી ઘોડાધ્રોઇ ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલી આશરે 299 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે મચ્છુ-3 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે ઘોડાધ્રોઇ ડેમના અસરગ્રસ્ત 10 ગામો અને મચ્છુ-3 ડેમના 21 ગામોને અગાઉથી એલર્ટ કરવામાં આવ્યા છે.

ભારતીય હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આજે જિલ્લામાં શાળા, કોલેજો અને ITI સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સાથે જ લોકોને નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

વરસાદને કારણે જિલ્લાના 6 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત હળવદ-સરા રોડ પર આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળતાં આ માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail