રાજકોટ મહાનગરપાલિકામાં નવા શાસકોના કાર્યકાળ દરમિયાન મીડિયા સાથેની વર્ષો જૂની પ્રથા અને પરંપરાગત વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. પત્રકારોને સામાન્ય રીતે આપવામાં આવતી સુવિધાઓ અને વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવતા મીડિયા વર્તુળોમાં નારાજગી જોવા મળી રહી છે.
મનપાની સામાન્ય સભા દરમિયાન પત્રકારોને પ્રેક્ષક ગેલેરીની બાજુમાં છેલ્લે બેસાડવામાં આવતા હોવાની ચર્ચા છે. એટલું જ નહીં, પ્રશ્નોત્તરી સંબંધિત એજન્ડા પણ પત્રકારોને આપવામાં ન આવતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વર્ષોથી મનપાની કામગીરી અને સામાન્ય સભાના સમાચારનું કવરેજ કરતા પત્રકારો માટે આ નવી વ્યવસ્થા અસહજ સ્થિતિ ઊભી કરતી હોવાનું માનવામાં આવે છે.
સ્ટેન્ડિંગ કમિટીના રૂમમાં પત્રકારો સમાચાર અને મનપાની કામગીરી અંગે ચર્ચા કરતા હોય છે ત્યારે સેક્રેટરી દ્વારા પટાવાળાઓને પણ કેટલીક ખાસ સૂચનાઓ આપવામાં આવી હોવાની ચર્ચા છે. જેના કારણે મનપા તંત્ર દ્વારા મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કેમ તે અંગે ચર્ચા તેજ બની છે.
આ સમગ્ર મામલે એવી પણ ચર્ચા છે કે શું ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં મનપાના શાસકોને મીડિયા સાથે આ પ્રકારનું વર્તન કરવાની તાલીમ આપવામાં આવી છે કે પછી આ સ્થાનિક શાસકોનો પોતાનો નિર્ણય છે? જોકે, પ્રદેશ ભાજપના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક શાસકોની આ નીતિ યોગ્ય નથી અને મીડિયા સાથે આવું વર્તન કરવા અંગે પ્રદેશ ભાજપ તરફથી કોઈ સૂચના આપવામાં આવી નથી.
મનપા અને મીડિયા વચ્ચે વર્ષોથી ચાલતી પરંપરાગત વ્યવસ્થામાં અચાનક ફેરફારને કારણે હવે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. લોકશાહી વ્યવસ્થામાં મીડિયા જનપ્રતિનિધિઓ અને તંત્રની કામગીરી લોકો સુધી પહોંચાડવાનું મહત્વનું માધ્યમ હોવાથી પત્રકારોને પૂરતી અને યોગ્ય સુવિધા આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.









