અમદાવાદ: ભાવિ આંતરરાષ્ટ્રીય રમતોત્સવોને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં માળખાકીય સુવિધાઓના વિસ્તરણની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આજે સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં 50થી વધુ વ્યાવસાયિક મિલકતો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી.
2030ની કોમનવેલ્થ ગેમ્સ તેમજ ભવિષ્યમાં ઓલિમ્પિક આયોજનની તૈયારીઓના ભાગરૂપે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીના હાલના 18 મીટર પહોળા માર્ગને 61 મીટર સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માર્ગ વિસ્તરણને કારણે રોડ લાઇનમાં આવતી અનેક વ્યાવસાયિક અને કેટલીક રહેણાંક મિલકતો અસરગ્રસ્ત બની છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ અસરગ્રસ્ત મિલકતધારકોને નોટિસ આપ્યા બાદ આજે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે જેસીબી મશીનોની મદદથી ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. સમગ્ર કામગીરી દરમિયાન સાબરમતી પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પ્રથમ તબક્કામાં ડી-માર્ટ સામેના વિસ્તારથી જનપથ ત્રણ રસ્તા સુધી રોડમાં આવતી 50થી વધુ કોમર્શિયલ મિલકતો દૂર કરવામાં આવી રહી છે. હાલમાં રહેણાંક મકાનોને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, ડી-માર્ટ બાદ આવેલા કેટલાક કોમર્શિયલ અને રહેણાંક મકાનો અંગે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી તે વિસ્તારોમાં હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. હાલમાં આશરે 500 મીટરના માર્ગ પર આવેલા અવરોધરૂપ બાંધકામોને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ નવેમ્બર 2025માં પણ આ જ માર્ગ વિસ્તરણ યોજનાના ભાગરૂપે મોટેરા વિસ્તારના બળદેવનગરમાં આવેલી 22 મિલકતો દૂર કરવામાં આવી હતી. શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ અને ટ્રાફિક વ્યવસ્થા મજબૂત બનાવવા માટે તબક્કાવાર માર્ગ વિસ્તરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની કામગીરી આગળ પણ ચાલુ રહેશે.









