બંગાળની ખાડીમાં સક્રિય ડીપ ડિપ્રેશનની અસર; ગુજરાતમાં 31 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ, 7 જિલ્લામાં ઓરેન્જ અને 18 જિલ્લામાં યલો એલર્ટ
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદનું જોર ઘટતાં લોકોને રાહત મળી છે, પરંતુ આ રાહત લાંબા સમય સુધી રહે તેવી શક્યતા નથી. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ 31 જુલાઈથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, જ્યારે 1થી 3 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વ્યાપક વરસાદ નોંધાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. તેની અસર હેઠળ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે.
આગામી વરસાદને ધ્યાનમાં રાખીને રાજ્યના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અધિકારી અતુલકુમાર સિંહે જણાવ્યું કે મોન્સૂન ટ્રફ ફરી ઉત્તર તરફ ખસતાં અને ડીપ ડિપ્રેશન સક્રિય થતાં આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે.
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નાગરિકોને સતર્ક રહેવા, નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.









