મેરઠનો મુખ્ય સૂત્રધાર અને રાજકોટમાં રહેતા જમ્મુના બે એન્જિનિયર ઝડપાયા : ચોરાયેલા ડિવાઇસ દિલ્હીથી રશિયા મોકલાતા હોવાનો ખુલાસો
રાજકોટ: શાપર સહિત ગુજરાત અને દેશના વિવિધ શહેરોમાં મોબાઈલ ટાવર પર લગાવવામાં આવેલા કિંમતી AZNA રીમોટ રેડિયો યુનિટ ચોરી કરતી ગેંગનો શાપર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે મેરઠના મુખ્ય સૂત્રધાર સહિત રાજકોટમાં રહેતા મૂળ જમ્મુના બે એન્જિનિયરોને ઈન્દોરથી ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં ચોરાયેલા ડિવાઇસ દિલ્હી પહોંચાડ્યા બાદ રશિયા સહિતના વિદેશોમાં મોકલવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે.
શાપર વિસ્તારમાં ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવર પરથી નોકિયા કંપનીના બે AZNA રીમોટ રેડિયો યુનિટની રૂ.1.20 લાખની ચોરી થઈ હતી. ચોરોએ ટાવર પર ચડીને વાયર કાપી યુનિટ કાઢી લીધા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા શાપર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ પીઆઈ આર.બી. રાણાની રાહબરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસને ઈન્દોરમાં આરોપીઓ હોવાની બાતમી મળતાં **ફારૂક ઉર્ફે ફરમાન ઉર્ફે કાળુ અયુબખાન અન્સારી (ઉ.વ.28, મેરઠ), સંગ્રામસિંહ ઉર્ફે વિશાલ પાજી લહેરસિંહ રાજપુત (ઉ.વ.31) અને સુમીતસિંહ શ્યામસિંહ રાજપુત (ઉ.વ.27)**ને ઝડપી પાડવામાં આવ્યા હતા.
એન્જિનિયરો આપતા હતા ટાવરની ટીપ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિશાલ રાજપુત અને સુમીતસિંહ રાજપુત મોબાઈલ ટાવર સંબંધિત કામ સાથે સંકળાયેલા હતા અને તેઓ ગેંગને ટાવર તથા તેમાં લગાવવામાં આવેલા રીમોટ યુનિટ અંગે મહત્વની માહિતી આપતા હતા. ટીપ મળ્યા બાદ ગેંગના સભ્યો ટાવર પર ચડીને ચાલુ પાવર દરમિયાન વાયર કાપી AZNA યુનિટ કાઢી લેતા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, ગેંગ છેલ્લા બે મહિનાથી અમદાવાદ, રાજકોટ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં આવી ચોરીઓ કરતી હતી. ચોરાયેલા ડિવાઇસ કુરિયર દ્વારા દિલ્હી મોકલવામાં આવતા હતા અને ત્યાંથી રશિયા સહિતના અન્ય દેશોમાં પહોંચાડવામાં આવતા હોવાની આરોપીઓએ કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.
ચોરીનું મોટું નેટવર્ક હોવાની આશંકા
મેરઠનો ફારૂક ઉર્ફે ફરમાન આ સમગ્ર નેટવર્કમાં મુખ્ય સૂત્રધાર તરીકે કામ કરતો હોવાની પોલીસને માહિતી મળી છે. હવે પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને અગાઉ કરવામાં આવેલી ચોરીઓ, દિલ્હીમાં રહેલા સંપર્કો તેમજ વિદેશમાં ડિવાઇસ મોકલતી ચેન અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે મોબાઈલ ટાવરના રીમોટ યુનિટની ચોરીના અગાઉના એક કેસમાં જયદીપ વલ્લભ બાવળીયા, રાહુલ સુરેશ સતવાણી, ધર્મેશ ધીરૂ મેવાસિયા અને સચીન મીરસીંગ પુનિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. નવી ગેંગ ઝડપાતા આ પ્રકારની ચોરી પાછળનું નેટવર્ક વધુ મોટું હોવાની શક્યતા છે.
શાપર પોલીસની કાર્યવાહીમાં પીઆઈ આર.બી. રાણા, પીએસઆઈ એસ.આર. પંડયા, એએસઆઈ દિવ્યરાજસિંહ સરવૈયા સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસે હવે ગેંગના અન્ય સાગરીતોને ઝડપી પાડવા અને વધુ ગુનાઓનો ભેદ ઉકેલવા તપાસ તેજ કરી છે.









