એરપોર્ટ પર ઈંધણની અછતથી હવાઈ સેવા પ્રભાવિત; એરલાઈન્સને બીજા એરપોર્ટ પરથી ફ્યુઅલ ભરવાની સૂચના
અમેરિકા: ન્યૂયોર્કના ચીકટોવાગા શહેરમાં આવેલા બફેલો નાયગ્રા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્યુઅલની અછત સર્જાતા વિમાન વ્યવહાર પર અસર પડી છે. એરપોર્ટ પર પૂરતું ઈંધણ ઉપલબ્ધ ન હોવાથી કેટલાક વિમાનોને ઉડાન ભરતા પહેલાં જમીન પર જ રોકી રાખવાની સ્થિતિ સર્જાઈ છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને એરપોર્ટ માટે NOTAM પણ જાહેર કરવામાં આવ્યો છે.
એરલાઈન્સે વિમાનોને બીજા એરપોર્ટ પર મોકલવાની તૈયારી કરી
અહેવાલ મુજબ, એક મોટી અમેરિકન એરલાઈને બફેલો એરપોર્ટ તરફ જતાં પોતાના વિમાનોને ખાસ સૂચના આપી છે. જે ફ્લાઈટ્સ અહીં લેઓવર દરમિયાન ફ્યુઅલ ભરવાની હતી, તેમને હવે નજીકના અન્ય એરપોર્ટ પર ઉતરીને ઈંધણ ભરાવવાની સલાહ આપવામાં આવી છે.
આ કારણે ફ્લાઈટના રૂટ અને સમયપત્રકમાં ફેરફાર થવાની સંભાવના છે.
NOTAM શા માટે જાહેર કરાયો?
એરપોર્ટ, રનવે, હવાઈ માર્ગ અથવા એરસ્પેસમાં કોઈ અસ્થાયી અથવા અસામાન્ય સ્થિતિ ઊભી થાય ત્યારે પાયલોટને તેની અગાઉથી જાણકારી આપવા NOTAM (Notice to Airmen/Notice to Air Missions) જાહેર કરવામાં આવે છે.
બફેલો એરપોર્ટ પર ફ્યુઅલની ઉપલબ્ધતા અંગે પણ આવો નોટિસ જાહેર કરવામાં આવ્યો છે.
ટેન્કર મારફતે આવે છે ફ્યુઅલ
બફેલો નાયગ્રા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનનું ફ્યુઅલ પાઇપલાઇન મારફતે નહીં પરંતુ મુખ્યત્વે ટેન્કર દ્વારા પહોંચાડવામાં આવે છે. આ સપ્લાય ચેઇનમાં સર્જાયેલી સમસ્યાના કારણે એરપોર્ટ પર ફ્યુઅલની અછત ઊભી થઈ હોવાનું સામે આવ્યું છે.
જોકે, ફ્યુઅલ સપ્લાયમાં ચોક્કસ કઈ સમસ્યા સર્જાઈ છે અને પુરવઠો ક્યારે સામાન્ય થશે તે અંગે હજુ સત્તાવાર રીતે સંપૂર્ણ વિગતો સ્પષ્ટ થઈ નથી. હાલ એરલાઈન્સ વૈકલ્પિક એરપોર્ટ પરથી ફ્યુઅલિંગની વ્યવસ્થા કરીને હવાઈ સેવા ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહી છે.









