5 દિવસનું વર્કિંગ સપ્તાહ અને નવી બોનસ નીતિ સામે 9 બેંક યુનિયનોનો વિરોધ
નવી દિલ્હી: દેશભરના બેંક કર્મચારીઓ અને અધિકારીઓના સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા સરકાર સામે તબક્કાવાર દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. UFBU સાથે જોડાયેલા નવ મોટા બેંક સંગઠનો આ આંદોલનમાં સામેલ થશે. હડતાળના કારણે દેશભરમાં બેંકિંગ સેવાઓને અસર થવાની શક્યતા છે.
11 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાની હડતાળ
હડતાળના કાર્યક્રમ મુજબ 11 સપ્ટેમ્બર 2026ના રોજ એક દિવસની હડતાળ યોજાશે. શુક્રવાર બાદ શનિવાર અને રવિવારની રજાઓ હોવાથી બેંકિંગ સેવાઓમાં સતત ત્રણ દિવસ સુધી વિક્ષેપ સર્જાઈ શકે છે.
જો સરકાર સાથે ચર્ચાથી કોઈ ઉકેલ નહીં આવે તો 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસની હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બરના અંતમાં બેંકોનું છમાસિક ક્લોઝિંગ હોવાથી આ હડતાળ વધુ મહત્વની બની શકે છે.
5 દિવસનું વર્કિંગ સપ્તાહ કરવાની માંગ
બેંક યુનિયનોની મુખ્ય માંગ અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ બેંકિંગ કામગીરી રાખવાની છે. આ ઉપરાંત નવી પર્ફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) આધારિત બોનસ નીતિ સામે પણ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે.
યુનિયનોના જણાવ્યા મુજબ નવી બોનસ વ્યવસ્થામાં ઉચ્ચ અધિકારીઓને મોટા પ્રમાણમાં બોનસ મળવાની શક્યતા છે, જ્યારે ક્લાર્ક અને અન્ય કર્મચારીઓને તેની સરખામણીએ ઓછો લાભ મળશે.
બોનસ નીતિ સામે કર્મચારીઓમાં રોષ
યુનિયનોનો દાવો છે કે મોટા અધિકારીઓને વર્ષના પગારની સરખામણીએ ઊંચું બોનસ અને નાના કર્મચારીઓને મર્યાદિત બોનસ આપવાની વ્યવસ્થા અસમાન અને ભેદભાવપૂર્ણ છે. આ મુદ્દો હાલમાં લેબર કમિશનર તેમજ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પણ ચાલી રહ્યો હોવાનું જણાવાયું છે.
યુનિયનોની માંગ છે કે નવી બોનસ નીતિ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે અને કર્મચારીઓ સાથે ચર્ચા કરીને નવી વ્યવસ્થા નક્કી કરવામાં આવે.
26 ઓક્ટોબરથી અનિશ્ચિત હડતાળની ધમકી
બેંક સંગઠનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો 26 ઓક્ટોબર 2026થી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે.
આ હડતાળ અમલમાં આવે તો દેશભરમાં બેંક શાખાઓનું દૈનિક કામકાજ, ચેક ક્લિયરિંગ અને અન્ય ગ્રાહક સેવાઓ પર વ્યાપક અસર પડી શકે છે.









