મધ્યપૂર્વમાં યમન સંકટ વચ્ચે હુથી વિદ્રોહીઓ સામે સીધી લશ્કરી કાર્યવાહી કરવાના મુદ્દે પાકિસ્તાને પીછેહઠ કરી છે. પાકિસ્તાનના આ બદલાયેલા વલણથી સાઉદી અરેબિયા સાથેના સંબંધોમાં તણાવ ઊભો થવાની શક્યતા વચ્ચે વડાપ્રધાન શાહબાઝ શરીફે તાત્કાલિક ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે.
‘મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર’ પર પણ સવાલ
પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીયે વચ્ચે તાજેતરમાં ‘મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર’ થયો હતો. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે અગાઉ સંકેત આપ્યો હતો કે સાઉદી અરેબિયા પર હુમલો થાય તો કરાર હેઠળ પાકિસ્તાન લશ્કરી કાર્યવાહી કરી શકે છે.
જોકે હવે પાકિસ્તાને સ્પષ્ટતા કરી છે કે આ કરાર માત્ર રક્ષણાત્મક છે અને તેના આધારે પાકિસ્તાની સેના આપમેળે હુથીઓ સામેના યુદ્ધમાં સામેલ નહીં થાય. પાકિસ્તાનના આ નરમ વલણથી રિયાધ નારાજ ન થાય તે માટે શાહબાઝ શરીફે રવિવારે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) સાથે ફોન પર વાત કરી હતી.
MBSને શાહબાઝે આપ્યું સમર્થન
ફોન પરની વાતચીત દરમિયાન શાહબાઝ શરીફે સાઉદી નાગરિકો અને માળખાગત સુવિધાઓ પર હુથીઓના હુમલાની આકરી નિંદા કરી હતી. તેમણે સાઉદી નેતૃત્વ પ્રત્યે પાકિસ્તાનની પૂર્ણ એકતા અને સમર્થન વ્યક્ત કર્યું હતું.
MBSએ પણ પાકિસ્તાનના અડગ સમર્થનની પ્રશંસા કરી હતી. બંને નેતાઓ વચ્ચેની આ વાતચીતને પાકિસ્તાન-સાઉદી સંબંધોમાં ઊભા થઈ શકે તેવા મતભેદોને દૂર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
યમનમાં હુથીઓનો તણાવ વધ્યો
યમનમાં સંઘર્ષ ફરી ઉગ્ર બન્યો છે. 2022માં યુએનની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામ બાદ હાલની સ્થિતિ સૌથી ગંભીર તણાવભરી સ્થિતિ હોવાનું કહેવાય છે.
હુથી દળોએ લાલ સમુદ્રના મહત્વના બંદર મોખા અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ નજીકના ટાપુ પર કબજો કર્યો હોવાના અહેવાલ છે. બીજી તરફ સાઉદી સમર્થિત દળોએ પણ વળતા હુમલા શરૂ કર્યા છે. સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 82 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા હોવાનો દાવો છે.
બાબ-અલ-મંદેબ વૈશ્વિક શિપિંગ માટે અત્યંત મહત્વનો માર્ગ હોવાથી અહીં સંઘર્ષ વધે તો વૈશ્વિક વેપાર અને ઊર્જા સપ્લાયને મોટો ફટકો પડી શકે છે.
અમેરિકા પણ સીધી લડાઈથી દૂર
યમનમાં વધી રહેલા સંકટ વચ્ચે સાઉદી અરેબિયાએ અમેરિકા પાસે મદદ માંગી હોવાનું કહેવાય છે. જોકે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુથીઓ સામે સીધી લશ્કરી કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો છે.
આ સ્થિતિમાં સાઉદી પોતાના સુરક્ષા ભાગીદારો કેટલા મજબૂત રીતે તેની પડખે ઊભા રહે છે તેનું મૂલ્યાંકન કરી રહ્યું છે. બીજી તરફ શાહબાઝ શરીફ 23 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં UN જનરલ એસેમ્બલી દરમિયાન ટ્રમ્પને મળવાના છે. આ મુલાકાત પાકિસ્તાન માટે રિયાધ અને વોશિંગ્ટન બંને સાથેના સંબંધો સંતુલિત કરવાની મહત્વની કસોટી બની શકે છે.









