કાચા માલ અને ફ્રેટ ખર્ચ વધતાં FMCG, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટો સેક્ટરમાં 6થી 8 ટકા સુધી ભાવવધારાની તૈયારી
નવી દિલ્હી: ઓગસ્ટ મહિનાથી દેશભરમાં મોંઘવારીનો વધુ એક ઝટકો લાગવાનો છે. વધતા ઉત્પાદન ખર્ચ, કાચા માલના ઊંચા ભાવ, દરિયાઈ માલવાહક ભાડાંમાં વધારો અને રૂપિયાના અવમૂલ્યનની અસરને કારણે અનેક મોટી કંપનીઓએ પોતાની પ્રોડક્ટ્સના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં ચા, હેર ઓઈલ, ટીવી, રેફ્રિજરેટર, બ્રાન્ડેડ કપડાં અને પેસેન્જર વાહનો સહિત અનેક વસ્તુઓ 6થી 8 ટકા સુધી મોંઘી બનવાની શક્યતા છે.
ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને ટેલિવિઝનના ભાવમાં ફરી વધારો થશે. મેમરી ચિપ અને અન્ય કાચા માલના ભાવમાં થયેલા વધારાથી ઉત્પાદકો પર ખર્ચનું ભારણ વધ્યું હોવાનું કંપનીઓનું કહેવું છે.
ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મારુતિ સુઝુકી ઓગસ્ટથી કેટલીક કારોના ભાવમાં ₹30 હજાર સુધીનો વધારો કરશે. હોન્ડા કાર્સ પણ નવા ભાવ અમલમાં મૂકશે, જ્યારે અન્ય ઓટો કંપનીઓ પણ ભાવ વધારવાની તૈયારીમાં છે.
ફેશન અને FMCG ક્ષેત્રમાં પણ મોંઘવારીની અસર જોવા મળશે. ખાદ્ય તેલ, પ્લાસ્ટિક અને પેકેજિંગ સામગ્રીના વધતા ખર્ચને કારણે બ્રાન્ડેડ કપડાં અને રોજિંદા વપરાશની અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની શક્યતા છે. તહેવારોની ખરીદી શરૂ થાય તે પહેલાં જ કંપનીઓ નવા ભાવ અમલમાં મૂકે તેવી તૈયારી ચાલી રહી છે.









