હિમાચલમાં ફરી મેઘતાંડવની આગાહી: ચાર દિવસ ભારે વરસાદનું એલર્ટ, પૂર અને ભૂસ્ખલનનો ખતરો

ચંબા, કાંગડા, મંડી, શિમલા સહિતના જિલ્લામાં હવામાન વિભાગની ચેતવણી; 1 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે

શિમલા: હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યના અનેક પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદની સાથે પૂર અને ભૂસ્ખલનના જોખમ અંગે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે ચંબા, કાંગડા, મંડી, શિમલા અને સિરમૌર જિલ્લામાં ભારે વરસાદને લઈને વિશેષ ચેતવણી આપી છે. સતત વરસાદને કારણે નદી-નાળાઓમાં જળસ્તર વધવાની તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

શિમલા અને કુલ્લુ સહિતના વિસ્તારોમાં મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયું છે. લોકોને જોખમી વિસ્તારોમાં ન જવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 1 ઓગસ્ટ સુધી સમગ્ર હિમાચલ પ્રદેશમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેશે, તેથી પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail