નવી દિલ્હી: દવાઓના વેચાણ પર નિયંત્રણ વધુ કડક બનાવતા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે 12 ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી તમામ દવાઓને ‘શેડ્યૂલ H-1’ શ્રેણીમાં સામેલ કરવામાં આવી છે. પરિણામે આવી દવાઓ હવે નોંધાયેલ તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાશે નહીં.
નવા નિયમો અનુસાર, મેડિકલ સ્ટોર અને કેમિસ્ટોએ આવી દવાઓના વેચાણનો સંપૂર્ણ રેકોર્ડ જાળવવો ફરજિયાત રહેશે. સરકારના આ નિર્ણયથી ખાસ કરીને કફ સિરપ, ટોનિક અને વધુ આલ્કોહોલ ધરાવતી અન્ય દવાઓના વેચાણ પર સીધી અસર પડશે.
અત્યાર સુધી ઘણી કફ સિરપ અને ટોનિક સામાન્ય રીતે પ્રિસ્ક્રિપ્શન વિના પણ મળી રહેતી હતી. પરંતુ હવે 12 ટકાથી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓ ખરીદવા માટે ડૉક્ટરની માન્ય પ્રિસ્ક્રિપ્શન રજૂ કરવી ફરજિયાત રહેશે.
ભારતીય દવા કાયદા મુજબ શેડ્યૂલ H-1 હેઠળ આવતી દવાઓના વેચાણ પર કડક દેખરેખ રાખવામાં આવે છે. દવા વેચનારોએ ખરીદનારની વિગતો સહિતનો રેકોર્ડ નિર્ધારિત સમય સુધી સાચવી રાખવાનો રહેશે, જ્યારે સરકારી એજન્સીઓ સમયાંતરે તેની તપાસ પણ કરશે.
સરકારનું માનવું છે કે આ નિર્ણયથી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓનો ગેરવપરાશ અટકાવવામાં મદદ મળશે અને દવાઓનો ઉપયોગ માત્ર તબીબી સલાહ મુજબ જ થઈ શકશે.









