રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 9 ડેમોમાં નવા નીરની આવક શરૂ, પાંચ ડેમ 70 ટકાથી વધુ ભરાતા એલર્ટ

રાજકોટ: સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદની અસર હવે જળાશયો પર પણ જોવા મળી રહી છે. ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત રાજકોટ જિલ્લાના પાંચ સહિત સૌરાષ્ટ્રના કુલ 9 ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે. સતત વધી રહેલી પાણીની આવકને કારણે પાંચ ડેમ 70 ટકાથી વધુ ભરાઈ જતાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મોજ ડેમમાં 4.72 ફૂટ, ફોફળ ડેમમાં 1.48 ફૂટ, વેણુ-2 ડેમમાં 6.63 ફૂટ, સોડવદર ડેમમાં 9 ફૂટ અને કરખાળ ડેમમાં પોણો ફૂટ નવા પાણીની આવક થઈ છે. ઉપરાંત ડેમી-1માં 0.33 ફૂટ, ફોફળ-2માં 0.36 ફૂટ, ફુલઝર (કો.બા.)માં 9.25 ફૂટ અને ઉમીયા સાગરમાં 10.17 ફૂટ પાણીની આવક નોંધાઈ છે.

ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના વિવિધ જળાશયોમાં જળસપાટી સતત વધી રહી છે. હાલ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનો વેણુ-2 ડેમ 78.48 ટકા, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાનો વંસલ ડેમ 77.08 ટકા, ભાવનગર જિલ્લાના ઉમરાળાનો રંઘોળા ડેમ 75.60 ટકા, પોરબંદરના કુતિયાણાનો સારણ ડેમ 73.37 ટકા અને જૂનાગઢ જિલ્લાના માણાવદરનો બાટવા-ખારો ડેમ 70.96 ટકા ભરાઈ ગયો છે. ડેમોમાં પાણીની સતત આવકને ધ્યાનમાં રાખીને કેચમેન્ટ વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

બીજી તરફ ભારે વરસાદની અસર માર્ગ વ્યવહાર પર પણ જોવા મળી છે. રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હેઠળના બે મુખ્ય હાઈવે બંધ રહ્યા હતા. જોકે, વરસાદી પરિસ્થિતિ વચ્ચે પણ રાજકોટ એસટી વિભાગની તમામ બસ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહી છે.

રાજકોટ જિલ્લામાં કુલ 382 રૂટ પર 1,071 ટ્રિપ, મોરબી જિલ્લામાં 176 રૂટ પર 573 ટ્રિપ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 369 રૂટ પર 938 ટ્રિપનું નિયમિત સંચાલન કરવામાં આવ્યું હોવાનું એસટી તંત્રએ જણાવ્યું છે.

સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની હવામાન વિભાગની આગાહીને પગલે ડેમોની જળસપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail