જહાજોના તળિયે ચોંટેલા જીવો અન્ય દેશોના સમુદ્રમાં ફેલાવાની આશંકા
નવી દિલ્હી: હોર્મુઝ સ્ટ્રેટ લાંબા સમયથી બંધ રહેતાં ફારસની ખાડીમાં 1500થી વધુ વાણિજ્યિક જહાજો અટવાયા છે. હોર્મુઝ ખુલ્યા બાદ જહાજો વિવિધ દેશોના બંદરો તરફ જશે ત્યારે તેમની સાથે દરિયાઈ જીવો અને બહારની પ્રજાતિઓ ફેલાવાનો ખતરો ઉભો થયો છે.
લાંબા સમય સુધી ઊભેલા જહાજોના તળિયે શેવાળ, પરજીવી અને અન્ય સૂક્ષ્મ જીવો ચોંટે છે. આ પ્રક્રિયાને બાયોફાઉલિંગ કહેવાય છે. નવા પર્યાવરણમાં પહોંચેલી બહારની પ્રજાતિઓ સ્થાનિક જળચર જીવસૃષ્ટિ માટે ખતરો બની શકે છે.
તેની અસર માછીમારી, જળકૃષિ અને તટીય ઉદ્યોગો પર પણ પડી શકે છે. ફારસની ખાડીનું ગરમ પાણી બાયોફાઉલિંગ માટે અનુકૂળ હોવાથી લાંબા સમયથી અટવાયેલા જહાજોમાં જોખમ વધુ હોવાની ચિંતા છે.
નિષ્ણાતોના મતે જહાજોને હોર્મુઝમાંથી રવાના કરતાં પહેલાં તળિયાની તપાસ અને જરૂરી અન્ડરવોટર સફાઈ કરવી જોઈએ. હોર્મુઝ ખુલવાથી ઊર્જા અને વેપારને રાહત મળશે, પરંતુ દરિયાઈ પર્યાવરણની સુરક્ષા માટે પણ ખાસ સાવચેતી જરૂરી રહેશે.









