રૂ.2 લાખનો મુદ્દામાલ કબજે; ભાણવડમાં દારૂની ભઠ્ઠી પર પણ દરોડો
ખંભાળિયા: ખંભાળિયા-પોરબંદર હાઈવે પર શાળા નજીક એલસીબીની ટીમે કાર્યવાહી કરી કારમાંથી 200 લીટર દેશી દારૂ સાથે 23 વર્ષીય રામ ભારમલ ધારાણીની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ, ટોયોટા કોરોલા કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પૂછપરછમાં દારૂનો જથ્થો ભાણવડ તાલુકાના રાણપર ગામના રાણા બાલા કોડીયાતર પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે.
દરમિયાન ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પર પણ એલસીબીએ દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન દેશી દારૂ, આથો અને દારૂ બનાવવાના સાધનો સહિત રૂ.46 હજારનો મુદ્દામાલ કબજે કરી રાણા બાલા કોડીયાતરની અટકાયત કરવામાં આવી હતી.
બંને મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









