રાજકોટ: રાજકોટ શહેરમાં પાણીની અછત દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ જળ મેળવવા માટે કરવામાં આવેલા બોરકાંડ મામલે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. માહિતી અધિકાર કાયદા (RTI) હેઠળ માંગવામાં આવેલી માહિતીના જવાબમાં મહાનગરપાલિકાએ આ સમગ્ર મામલાની સંબંધિત ફાઇલ કચેરીમાં ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પાણીની કટોકટી દરમિયાન કરાયેલા બોરકામને લઈને તે સમયે અનેક પ્રશ્નો ઊભા થયા હતા. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર પંકજ જોશી દ્વારા તપાસ કરાવી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. તપાસના આધારે જવાબદાર માનવામાં આવેલા કેટલાક કર્મચારીઓના નામ જાહેર કરીને તેમની સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
હવે આ જ બોરકાંડ સંબંધિત દસ્તાવેજોની માહિતી માંગતા અરજદારને RTI હેઠળ સત્તાવાર રીતે જવાબ આપવામાં આવ્યો છે કે સંબંધિત ફાઇલ કચેરીમાં ઉપલબ્ધ નથી. આ જવાબ સામે અનેક સવાલો ઊભા થયા છે અને સમગ્ર મામલે ફરી ચર્ચા શરૂ થઈ છે.
વિરોધ પક્ષ અને અરજદારોનું કહેવું છે કે જાહેર હિત સાથે જોડાયેલા મહત્વના કેસની ફાઇલ ઉપલબ્ધ ન હોવાનો જવાબ ગંભીર બાબત છે અને આ અંગે જવાબદારી નક્કી થવી જોઈએ. બીજી તરફ, મહાનગરપાલિકા તરફથી આ મુદ્દે હજુ સુધી કોઈ વિગતવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
RTIમાં મળેલા જવાબ બાદ બોરકાંડની તપાસ, સંબંધિત દસ્તાવેજો અને તેમની ઉપલબ્ધતા અંગે ફરી એકવાર ચર્ચા તેજ બની છે.









