નવી દિલ્હી: પાકિસ્તાન વિરુદ્ધ હાથ ધરાયેલા ઓપરેશન સિંદુર દરમિયાન દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર છ જવાનોના નામ પ્રથમ વખત સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. શહીદોમાં ભારતીય સેનાના પાંચ અને ભારતીય વાયુસેનાના એક જવાનનો સમાવેશ થાય છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ શહીદોમાં સુબેદાર મેજર પવનકુમાર, રાઈફલમેન સુનિલકુમાર, લાન્સ નાયક દિનેશકુમાર, અગ્નિવીર મુદ મુરલી, હવાલદાર સુનીલકુમાર તથા ભારતીય વાયુસેનાના સાર્જન્ટ સુરેન્દ્રકુમારનો સમાવેશ થાય છે. તમામના નામ હવે સત્તાવાર રીતે આર્મી વોર મેમોરિયલમાં સ્થાન પામશે.
શૌર્ય અને બહાદુરી બદલ રાઈફલમેન સુનિલકુમારને મરણોત્તર વિર ચક્ર અને સાર્જન્ટ સુરેન્દ્રકુમારને મરણોત્તર વાયુ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
ઓપરેશન સિંદુર દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવી આશરે 22 મિનિટ સુધી એરસ્ટ્રાઈક કરી હતી. આ કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનના અનેક હવાઈ મથકોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
દેશની સુરક્ષા માટે પ્રાણોની આહુતિ આપનાર આ તમામ શહીદ જવાનોને સમગ્ર દેશ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે.









