રાજકોટ: સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ સતત મજબૂત બનતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સોરઠના મેંદરડામાં સૌથી વધુ દોઢ ઇંચ, જ્યારે વિસાવદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. ભેસાણ, વંથલી, કેશોદ, માણાવદર અને માળિયા હાટીનામાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે.
ભાવનગર, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધીમીધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે આ વરસાદ વાવેતર કરેલા પાક માટે લાભદાયક માનવામાં આવી રહ્યો છે.
આજે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે અને અનેક વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે, જેના કારણે ખેતીને વધુ ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.








