મુંબઈ: લોકપ્રિય વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ પરથી બનેલી ‘મિર્ઝાપુર ધ મુવી’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે રિલીઝના ચાર દિવસમાં જ ભારતમાં રૂ. 100 કરોડથી વધુનું નેટ કલેક્શન કરી લીધું હતું. હવે પાંચમા દિવસે પણ ફિલ્મની કમાણીનો સિલસિલો યથાવત રહ્યો છે.
ટ્રેડ વેબસાઇટ સેકનિલ્કના જણાવ્યા અનુસાર, મંગળવારે પાંચમા દિવસે ફિલ્મે ભારતમાં રૂ. 15.85 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. આ સાથે ભારતમાં ફિલ્મની કુલ નેટ કમાણી રૂ. 125.60 કરોડ સુધી પહોંચી ગઈ છે.
ઓવરસીઝ કલેક્શન પણ મજબૂત
વિદેશી બજારમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પાંચમા દિવસે ઓવરસીઝ માર્કેટમાંથી આશરે રૂ. 3.50 કરોડની કમાણી થઈ હતી. આ સાથે ફિલ્મનું ઓવરસીઝ ગ્રોસ કલેક્શન રૂ. 27 કરોડ થયું છે.
ભારત અને વિદેશની કમાણી મળીને ફિલ્મનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન રૂ. 176.97 કરોડ, એટલે કે લગભગ રૂ. 180 કરોડ સુધી પહોંચી ગયું છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી સહિતના હિન્દીભાષી વિસ્તારોમાં ફિલ્મને ખાસ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
કાલિન ભૈયા અને ગુડ્ડુની ટક્કર
ફિલ્મની કહાની 2018ના સમયગાળામાં સેટ છે. તેમાં ‘મિર્ઝાપુર’ની પહેલી સીઝન સાથે જોડાયેલા કેટલાક ન કહેવાયેલા પ્રસંગો અને કાલિન ભૈયા તથા ગુડ્ડુ પંડિત વચ્ચેની સત્તાની લડાઈને મોટા પડદા પર રજૂ કરવામાં આવી છે.
ફિલ્મમાં પંકજ ત્રિપાઠી કાલિન ભૈયા, અલી ફઝલ ગુડ્ડુ અને દિવ્યેન્દુ મુન્ના ભૈયાના પાત્રમાં જોવા મળે છે. આ ઉપરાંત જિતેન્દ્ર કુમાર, રવિ કિશન, રસિકા દુગ્ગલ, શ્વેતા ત્રિપાઠી, રાજેશ તૈલંગ અને અભિષેક બેનર્જી પણ મહત્વની ભૂમિકામાં છે.









