દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં હળવા ઝાપટા; વરસાદ ખેંચાતા ખેતી અને પશુપાલન પર સંકટ ઘેરાયું
રાજકોટ: સૌરાષ્ટ્રમાં ચોમાસું હજુ પણ પૂરતું જામ્યું નથી. રવિવારે રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા પડ્યા હતા, જ્યારે બાકીના વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું હતું. જોકે નોંધપાત્ર વરસાદ ન થતાં ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ ચોમાસામાં વરસાદની ભારે અછત વચ્ચે રવિવારે બપોરે દ્વારકા શહેરમાં માત્ર પાંચેક મિનિટ માટે હળવો વરસાદ વરસ્યો હતો. ટૂંકા સમયના વરસાદથી ગરમીમાં ખાસ કોઈ રાહત મળી નહોતી, પરંતુ ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટમાં વધારો થયો હતો.
વરસાદની સતત અછતને કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. અનેક ખેડૂતોએ વરસાદની આશાએ વાવણી પૂર્ણ કરી દીધી છે, જ્યારે કેટલાકે ખેતરો તૈયાર રાખ્યા છે. પૂરતા વરસાદના અભાવે પાકના વિકાસ પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ પશુઓ માટે ઘાસચારાની સમસ્યા પણ ધીમે ધીમે ગંભીર બની રહી છે.
જામનગર જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે માત્ર છૂટાછવાયા ઝાપટા નોંધાયા હતા. છેલ્લા 48 કલાક દરમિયાન જોડીયા અને જામજોધપુર તાલુકામાં 4-4 મીમી તેમજ લાલપુરમાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. શહેરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ભેજનું પ્રમાણ 82 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 12.5 કિલોમીટર નોંધાઈ હતી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ દિવસભર વાદળોની અવરજવર જોવા મળી હતી, પરંતુ મેઘરાજાએ મન મૂકીને વરસવાનું ટાળ્યું હતું. વરસાદની સતત ખેંચને કારણે ખેડૂતો હવે આગામી દિવસોમાં સારા વરસાદની આશા સાથે આકાશ તરફ નજર રાખી રહ્યા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં વાતાવરણમાં બદલાવની શક્યતા છે, જોકે ખેડૂતોને રાહત મળે તેવો વ્યાપક વરસાદ ક્યારે થશે તેની આતુરતા સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે.









