મેઘરાજાનું જોર ધીમું પડ્યું: 8 કલાકમાં માત્ર 59 તાલુકામાં હળવો વરસાદ

નાનાપોંઢામાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ; કપરાડા અને ડાંગમાં પણ નોંધપાત્ર વર્ષા

ગાંધીનગર: છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાવ્યા બાદ મેઘરાજાનું જોર હવે ધીમું પડતું જોવા મળી રહ્યું છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના આઠ કલાક દરમિયાન રાજ્યના માત્ર 59 તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના પ્રાથમિક આંકડા મુજબ, વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં સૌથી વધુ 1.50 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કપરાડામાં 1.34 ઈંચ અને ડાંગ જિલ્લામાં 0.94 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત રાજ્યના અન્ય તાલુકાઓમાં છૂટાછવાયા ઝાપટાથી લઈને પોણા ઈંચ સુધીનો હળવો વરસાદ નોંધાતા ભારે વરસાદમાંથી લોકોને આંશિક રાહત મળી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા યથાવત છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સ્થાનિક સ્તરે ભારે વરસાદ પડી શકે છે.

Leave a Comment

Traffic Tail