કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા સર્ચ ઓપરેશન: સરહદી સુરક્ષા વધુ કડક

લક્કીનાળાથી રામેન્દ્રા સુધી સઘન ફૂટ પેટ્રોલિંગ; શંકાસ્પદ ઈસમો, બોટ અને વાહનોની ચુસ્ત તપાસ

કચ્છ: દેશની પશ્ચિમ દરિયાઈ સરહદને અભેદ્ય બનાવવા કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા વિશેષ સર્ચ અને પેટ્રોલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. લક્કીનાળાથી રામેન્દ્રા સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં લાંબા અંતર સુધી ફૂટ પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાની ચુસ્ત સમીક્ષા કરવામાં આવી હતી.

ઓપરેશન દરમિયાન મરીન કમાન્ડોની ટીમોએ દરિયાકાંઠે અવરજવર કરતા શંકાસ્પદ ઈસમો, વાહનો અને માછીમારી બોટોની સઘન તપાસ હાથ ધરી હતી. સાથે જ અવાવરૂ, નિર્જન અને સંવેદનશીલ વિસ્તારોમાં પણ વિશેષ ચેકિંગ કરીને દરેક હિલચાલ પર બારીક નજર રાખવામાં આવી હતી.

તાજેતરના સમયમાં સરહદી વિસ્તારોમાં વધતી સતર્કતાને ધ્યાનમાં રાખી ડ્રગ્સની હેરાફેરી, દાણચોરી, ગેરકાયદેસર ઘુસણખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. મરીન કમાન્ડો દ્વારા સતત ઇન્ટેલિજન્સ આધારિત પેટ્રોલિંગ અને સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, કચ્છનો દરિયાકાંઠો દેશની સુરક્ષા માટે અત્યંત વ્યૂહાત્મક વિસ્તાર હોવાથી સમયાંતરે આવા વિશેષ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવે છે. મરીન કમાન્ડો, કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ વચ્ચે સતત સંકલન રાખીને દરિયાઈ સરહદને સંપૂર્ણ સુરક્ષિત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સુરક્ષા એજન્સીઓએ માછીમારો અને દરિયાકાંઠાના રહેવાસીઓને પણ સતર્ક રહેવા તેમજ કોઈ શંકાસ્પદ વ્યક્તિ, બોટ અથવા ગતિવિધિ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે. આગામી દિવસોમાં પણ કચ્છના દરિયાકાંઠે આવા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે.

Leave a Comment

Traffic Tail