નોઈડા: ઉત્તર પ્રદેશના નોઈડાના ફેઝ-3 પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સેક્ટર-66ના મામુરા વિસ્તારમાં પાંચ માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળતાં બે લોકોના કરુણ મોત થયા છે, જ્યારે ફાયર બ્રિગેડે 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી મોટી દુર્ઘટના ટાળી હતી.
પ્રાથમિક માહિતી મુજબ આગની શરૂઆત ઇમારતમાં પાર્ક કરાયેલી ઇલેક્ટ્રિક બાઇકમાં થયેલા શોર્ટ સર્કિટ અથવા સ્પાર્કિંગના કારણે થઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી સમગ્ર પાંચ માળની ઇમારતને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
આ દુર્ઘટનામાં 26 વર્ષની એક મહિલા અને એક પુરુષ ગંભીર રીતે દાઝી જતાં તેમનાં મોત નીપજ્યાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આગ ઝડપથી ફેલાતા ઇમારતમાં રહેતા લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો, પોલીસ અધિકારીઓ અને ડીસીપી કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.
રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ઇમારતની સામે આવેલી બીજી બિલ્ડિંગમાંથી સીડીઓની મદદ લઈને ધુમાડા અને જ્વાળાઓ વચ્ચે ફસાયેલા 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર વિભાગ અને પોલીસની સમયસરની કામગીરીને કારણે વધુ જાનહાનિ અટકાવી શકાય હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
પોલીસ અને ફાયર વિભાગે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ ઇલેક્ટ્રિક બાઇકમાં થયેલું શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે ચોક્કસ કારણ ફોરેન્સિક તપાસ બાદ સ્પષ્ટ થશે.









