80 ફૂટ રોડ પરથી ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝડપાયો: સહકાર સોસાયટીમાંથી વાહન ચોર્યાની કબૂલાત

રાજકોટ: ભક્તિનગર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 80 ફૂટ રોડ પરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ સહકાર સોસાયટી વિસ્તારમાંથી બાઇક ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે વાહન કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એચ. ગોહિલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કોન્સ્ટેબલ પ્રકાશભાઈ મકવાણા, રવિભાઈ રત્નુ અને યુવરાજસિંહ જાદવને બાતમી મળી હતી કે 80 ફૂટ રોડ પર નાગરિક બેંક પાછળ આવેલા આરએમસી ક્વાર્ટર નજીક એક શખ્સ શંકાસ્પદ હાલતમાં બાઇક સાથે ઉભો છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાંથી જીજે-03-આરઆર-0375 નંબરની બાઇક સાથે ઉભેલા શખ્સને અટકાવી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ નિલેશ ઉર્ફે જીગો બાબુ સોનીગ્રા (ઉ.વ. 42), રહેવાસી રઘુવીર સોસાયટી, શેરી નં. 4 હોવાનું જણાવ્યું હતું.

પોલીસે બાઇકના દસ્તાવેજોની માંગણી કરતાં આરોપી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. ત્યારબાદ આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે બાઇક ચોરાઉ હોવાનું સ્વીકારી લીધું હતું. આરોપીએ સહકાર સોસાયટી વિસ્તારમાંથી બાઇક ચોરી કરી હોવાનું પણ કબૂલ્યું હતું.

આ અંગે અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો નોંધાયો હતો. પોલીસે ચોરાઉ બાઇક કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ અન્ય કોઈ વાહન ચોરીના ગુનાઓમાં તેની સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Comment

Traffic Tail