ભુજ: કચ્છના માનકુવા વિસ્તારમાં ચાલતી જુગાર ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા બાદ પોલીસ વિભાગે મોટી વહીવટી કાર્યવાહી કરી છે. કચ્છ રેન્જના IG ચિરાગ કોરડિયાએ માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે. એમ. ગઢવીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે SMC દ્વારા માનકુવા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતી જુગાર ક્લબ પર દરોડો પાડીને રૂ. 45.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
દરોડા બાદ સ્થાનિક પોલીસની કામગીરી, દેખરેખ અને ફરજ પ્રત્યેની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થતાં વિભાગીય તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસના આધારે માનકુવા પોલીસ સ્ટેશનના PI કે. એમ. ગઢવી સામે વહીવટી કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.









