કેન્યામાં સફારી દરમિયાન મોટી દુર્ઘટના પ્રવાસીઓને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશઃ પાયલોટ સહિત 7નાં મોત

નૈરોબી: કેન્યાના સામ્બુરુ કાઉન્ટીમાં બુધવારે સફારી પ્રવાસ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં સવાર તમામ 7 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં પાંચ અમેરિકન નાગરિકો, ઈક્વાડોરના નેશનલ ઈન્ટેલિજન્સ સેન્ટરના વડા મિશેલ સેન્સી-કોન્ટુગી, તેમની પત્ની અને કેન્યાના પાયલોટનો સમાવેશ થાય છે.

માઉન્ટ ઓલોલોક્વે પાસે હેલિકોપ્ટર તૂટી પડ્યું

કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટી અનુસાર Eurocopter EC130 B4 હેલિકોપ્ટર સવારે આશરે 9:13 વાગ્યે લોઈસાબા કન્ઝર્વન્સીથી ઉડાન ભર્યા બાદ માઉન્ટ ઓલોલોક્વે નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. હેલિકોપ્ટરમાં છ મુસાફરો અને એક પાયલોટ સવાર હતા. અકસ્માતમાં કોઈ બચ્યું નથી.

ઈક્વાડોરના ગુપ્તચર વડા અને પત્નીનું પણ મોત

દુર્ઘટનામાં ઈક્વાડોરના ગુપ્તચર વડા મિશેલ સેન્સી-કોન્ટુગી અને તેમની પત્ની સ્ટેફની હોલિહાનનાં પણ મોત થયા છે. મૃતકોમાં અમેરિકન મીડિયા કંપની ટેલિમુંડોના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ જોસે આલ્બર્ટો સુઆરેઝ પણ સામેલ હતા. અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાંચ અમેરિકન નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે.

દુર્ગમ વિસ્તાર અને આગથી બચાવ કામગીરી મુશ્કેલ

ક્રેશ બાદ ઘટનાસ્થળે આગ લાગી હતી અને વિસ્તારનો ભૂપ્રદેશ અત્યંત દુર્ગમ હોવાથી સર્ચ અને રિકવરી કામગીરીમાં મુશ્કેલી પડી હતી. કેન્યાના અધિકારીઓએ દુર્ઘટનાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. હેલિકોપ્ટર સંચાલકના જણાવ્યા મુજબ અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

સફારી અને વન્યજીવન માટે જાણીતા સામ્બુરુ વિસ્તારમાં બનેલી આ દુર્ઘટનાએ કેન્યા ઉપરાંત અમેરિકા અને ઈક્વાડોરમાં પણ શોકની લાગણી ફેલાવી છે.

Leave a Comment

Traffic Tail