અંજારમાં બંગડીના પાર્સલમાં દારૂની હેરાફેરીનો ભંડાફોડ, ત્રણ આરોપી ઝડપાયા

અંજાર: કચ્છના અંજારમાં દારૂની હેરાફેરી માટે અપનાવવામાં આવેલી નવી તરકીબનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. કાચની બંગડીઓના પાર્સલના નામે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું બહાર આવતાં પોલીસે કાર્યવાહી કરીને ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, પોલીસને મળેલી બાતમીના આધારે અંજાર સ્થિત કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટના ગોડાઉન ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન શંકાસ્પદ પાર્સલોની ચકાસણી કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

પાર્સલ પર કાચની બંગડીઓ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે પોલીસે તેને ખોલીને તપાસ કરી ત્યારે અંદરથી બંગડીઓના બદલે વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂ. 1.63 લાખના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

આ મામલે પોલીસે હિંમત જોઇસર, ઉદય માતંગ અને હુશેન શેખડાડા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂની હેરાફેરી પાર્સલ સેવાના માધ્યમથી કરવામાં આવી રહી હતી.

તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે આ પાર્સલ રાજસ્થાનના જોધપુરથી ઉષા બેંગલ્સ નામે મોકલવામાં આવ્યું હતું. જોકે માલ મોકલનાર મુખ્ય આરોપી હાલમાં ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ હવે સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે કે દારૂ ક્યાં પહોંચાડવાનો હતો, તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને અગાઉ પણ આવી રીતે દારૂની હેરાફેરી કરવામાં આવી હતી કે નહીં. આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail