સાસણ-ગીર આવતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. એશિયાટિક સિંહોના સંવનન કાળ અને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને 16 જૂનથી ગીર જંગલ સફારી આગામી ચાર મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વન વિભાગના નિર્ણય અનુસાર, 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીરના જંગલમાં સફારી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. દર વર્ષે ચોમાસા દરમિયાન જંગલના રસ્તાઓની સ્થિતિ તેમજ વન્યજીવોના સંવનન કાળને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવે છે.
આ સમયગાળા દરમિયાન એશિયાટિક સિંહો સહિત અન્ય વન્યજીવોને કુદરતી વાતાવરણમાં નિરાંત મળી રહે અને તેમના પ્રજનન ચક્રમાં કોઈ અવરોધ ન આવે તે માટે સફારી બંધ રાખવામાં આવે છે.
ગીર જંગલ સફારી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. જોકે, હવે પ્રવાસીઓએ 15 ઓક્ટોબર બાદ જ સફારીનો આનંદ માણી શકશે.
વન વિભાગે પ્રવાસીઓને અગાઉથી જ આયોજન કરવા અને સફારી બુકિંગ સંબંધિત માહિતી માટે સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવા અપીલ કરી છે.









